Vav By Election: વાવ પેટાચૂંટણીને લઇને પ્રચાર-પ્રસાર તેજ થઇ ગયો છે. ભાજપે મેદાનમાં મોટા મોટા નેતાઓને ઉતારવાનું શરૂ કરી દીધુ છે. અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી બાદ હવે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબત પટેલ પણ પ્રચારમાં સામેલ થયા છે. જોકે, આ બધાની વચ્ચે પરબત પટેલે એક મોટી કબૂલાત કરતા સ્વીકાર્યુ છે કે, ભાજપને માવજી પટેલથી ડર છે, ભાજપ હારી પણ શકે છે.
વાવ બેઠક પર પ્રચાર દરમિયાન સામાજિક સંમેલનો અને સભાઓ યોજવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ ચૌધરી સમાજનું એક સ્નેહમિલન યોજાયુ હતુ, જેમાં ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને સ્વીકાર્યુ કે, માવજીભાઈ જે મત લઇ જશે તે ભાજપને જ નુકસાન કરશે, માવજીભાઇના કારણે જ અમને સ્નેહમિલન કરવું પડ્યુ. પરબત પટેલે સંબોધન દરમિયાન સ્વીકાર્યુ કે, જો માવજીભાઈ લડતા ના હોત તો અમારે આ મથામણ કરવી ના પડત. માવજીભાઈ અમારા મત તોડશે. માવજીભાઈ ચૂંટણીમાં ના હોત તો અમે વન-વે જીતી જાત. આપણા ઉમેદવારને ઠાકોર સમાજે પણ મત આપ્યા છે. લોકસભામાં ચૌધરી સમાજે ગેનીબેનને એક પણ મત નથી આપ્યો. સ્વરૂપજી માત્ર નિમિત છે, તમારો મત તો નરેન્દ્ર મોદીને જ જવાનો છે. કોંગ્રેસને જીતાડી ફરી ખરાબ દિવસો લાવવા હોય તો બીજે મત આપજો. તાલુકા- જિલ્લા પંચાયતોની ચૂંટણી પક્ષ જ લડશે, અપક્ષો નહીં લડે. અહીં માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ જંગ જામેલો છે.
વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
આ પણ વાંચો