Paresh Goswami prediction: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત અને મુંબઈમાં આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બનીને હાલ નાગપુરથી ઝડપથી આગળ વધી રહી છે અને આવતીકાલે સવાર સુધીમાં મુંબઈ પહોંચીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આને કારણે 28 સપ્ટેમ્બરથી 3 દિવસ સુધી મુંબઈમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ગુજરાતમાં પણ 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર દરમિયાન ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 થી 5 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. આ વરસાદ 40 થી 50 કિમી/કલાકની ઝડપના પવન સાથે પડશે, જેનાથી ખરીફ પાકને નુકસાન થવાની ચિંતા છે.

Continues below advertisement


બંગાળની ખાડીની સિસ્ટમ બની મજબૂત: મુંબઈમાં અતિવૃષ્ટિનો ભય


પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જે બંગાળની ખાડીની સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી હતી, તે આજે, 27 સપ્ટેમ્બર, 2025 ના રોજ મહારાષ્ટ્રના નાગપુર આસપાસ પહોંચી ગઈ છે. આ લો પ્રેશર સિસ્ટમ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે અને આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં મુંબઈ સુધી પહોંચી જશે.


મુંબઈ પર આવીને આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેને કારણે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મુંબઈ માટે ભારે ખતરો છે. મુંબઈની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ગાજવીજ અને 40 થી 50 કિમી/કલાકની ઝડપના પવન સાથે ધોધમાર વરસાદને કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન રદ થવી, જનજીવન અસ્તવ્યસ્ત થવું અને શહેરની હાલત ખરાબ થવાની પૂરી શક્યતાઓ છે.


મુંબઈ માટે જોખમની સાથે જ, ગુજરાતમાં પણ આવતીકાલથી વરસાદની સંભાવનાઓ છે. ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલશે અને 3 ઑક્ટોબરથી વાતાવરણ ખુલ્લું થવાની શક્યતા છે.


દક્ષિણ ગુજરાત (સૌથી વધુ અસર)


આ વિસ્તારમાં વરસાદની તીવ્રતા સૌથી વધુ રહેશે. અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ વગેરે વિસ્તારોમાં લગભગ 3 થી 5 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે અને એકલદોકલ સેન્ટરમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જઈ શકે છે.


સૌરાષ્ટ્ર



  • ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ: આ વિસ્તારોમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. મોટા ભાગે 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે, પરંતુ એક-બે સેન્ટરમાં 5 ઇંચ સુધી જવાની શક્યતા છે.

  • બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ: આ વિસ્તારમાં વરસાદની તીવ્રતા થોડી હળવી રહેશે, જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે.

  • પશ્ચિમ સૌરાષ્ટ્ર (દ્વારકા, જામનગર, પોરબંદર): અહીં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.


કચ્છ અને ઉત્તર/મધ્ય ગુજરાત



  • કચ્છ: રાપર તાલુકાને બાદ કરતાં મોટા ભાગના તાલુકાઓમાં 0.5 થી 1.5 ઇંચ આસપાસ વરસાદ જોવા મળી શકે છે.

  • ઉત્તર ગુજરાત (વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા): અહીં વરસાદની તીવ્રતા ઓછી રહેશે, પરંતુ 0.5 થી 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં એકદમ હળવા ઝાપટાં જ જોવા મળશે.

  • મધ્ય ગુજરાત (દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, મહીસાગર, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર): આ તમામ વિસ્તારમાં 0.5 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે, અને એક-બે સેન્ટરમાં 1.5 ઇંચ કરતાં વધારે જઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પવનની ઝડપ વધારે રહેવાનું અનુમાન છે.


નિષ્ણાતના મતે, આ વરસાદી રાઉન્ડ નૈઋત્યના ચોમાસાનો 2025 નો છેલ્લો રાઉન્ડ છે અને તે તોફાની રહેશે. 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર દરમિયાન વરસાદના સમયગાળામાં પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.


આ તોફાની વરસાદને કારણે ખરીફ પાકમાં મોટા પાયે નુકસાન જવાની શક્યતા છે. ખાસ કરીને જે ખેડૂતોએ મગફળીને કાઢવાનો સમય થયો છે અને વરસાદની આગાહીને કારણે રોકાયા છે, તેમની ચિંતા વધી છે. આ વરસાદ અમુક ખેડૂતો માટે લાંબા ગાળાની મગફળી માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતે દરેક મિત્રોને આ ભારે વરસાદી રાઉન્ડની નોંધ લેવા વિનંતી કરી છે.