ગોંડલ: પરષોત્તમ રૂપાલાએ એક જાહેર સભાને સંબોધન કરતા ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઇને વિરોધ થતાં તેમણે ફરી એકવાર માફી માંગી છે. પરષોતમ રૂપાલાએ ગોંડલના શેમળામાં ક્ષત્રિય સમાજની બેઠક દરમિયાન ખુલ્લા મંચે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ગોંડલના શેમળામાં જયરાજ સિંહ જાડેજાની અઘ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી.
ઉલ્લેખનિય છે કે, રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદ અને વિરોધના વંટોળને ડામવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહને ભાજપે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપી છે. જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ગઇકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર, જિલ્લા ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ સાથે ગોંડલના શેમળામાં પણ ક્ષત્રિય સમાજની બેઠક જયરાજ સિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી અહી પરષોતમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.
શું છે સમગ્ર મામલો
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.