ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ મહીનાથી શરૂઆત થઈ ગઈ છે. સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સોમનાથમાં આજે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટે સંકલન બેઠક કરી હતી. સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.


હવેથી સોમનાથ મંદિરમાં દર્શન કરવામાં માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. તાલુકાની બહારના દર્શનાર્થી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ દર્શન કરવાની પરવાનગી મળશે.

સોમનાથ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5.30 થી 6.30, બપોરે 12.30 થી 6.30 અને સાંજે 7.30 થી 9.15 સુધીનો સમય રાખવામાં આવ્યો છે. આ તમામ નિયમો શનીવારથી લાગુ પડશે.