પાટણઃ પાટણમાં કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના (congress MLA Kirit Patel) જન્મદિવસની (Birthday) શુભેચ્છા આપતા બેનરને (Banner) લઇને વિવાદ પેદા થયો હતો. શહેરમાં ધારાસભ્ય કિરીટ પટેલને જન્મદિવસની શુભેચ્છા આપતા બેનરો લગાવવામાં આવ્યા હતા. બેનરો ઉતારવા માટે ચીફ ઓફિસર પહોંચતા ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હતા. મંજૂરી વિના જન્મદિવસના બેનર લગાવાતા વિવાદ ઉભો થયો હતો.
કિરીટ પટેલના સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જ
હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લાઠીચાર્જને લઇને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને તેને ખેડૂત વિરોધી ગણાવી હતી. રાહુલ ગાંધીએ લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત અને લોહીથી લથપથ એક ખેડૂતની તસવીર શેર કરતા લખ્યું કે, ‘ફિર ખૂન બહાયા હૈ કિસાન કા, શર્મ સે સર ઝૂકાયા હિંદુસ્તાન કા’
હરિયાણાના કરનાલમાં આજે ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વાસ્તવમાં કરનાલમાં ભાજપની વિશેષ બેઠક આયોજીત કરી હતી જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપ ધારાસભ્ય અને મંત્રી ઓપી ધનખડ પહોંચ્યા હતા. બીજી તરફ ખેડૂતોએ બસતાડા ટોલ પ્લાઝા પર એકઠા થઇને બેઠકનો વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી. બાદમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં અનેક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા.
નોંધનીય છે કે ખેડૂતોએ ભાજપની બેઠકનો વિરોધ કરવાની જાહેરાત શુક્રવારે જ કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ટોલ પ્લાઝા પર એકઠા થયા હતા અને પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ સરકારના વિરોધમાં નારા લગાવ્યા હતા.