ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારી (Corona Pandemic)એ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. રાજ્યમાં કેસની સંખ્યા વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સ્મશાનોમાં લાકડા ખૂટી ગયા છે, જેને લઈ પાટણનાં ધારાસભ્ય (Patan MLA) કિરીટ પટેલે (Kirit Patel) વન મંત્રીને ઈમેલ કર્યો છે. જેમાં રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પડેલ જલાઉ લાકડાનો જથ્થો મોટા સ્મશાન ગૃહોને ફાળવવા રજૂઆત કરી છે.
પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે વન મંત્રીને કરેલા ઈમેલ મુજબ, રાજયની અંદર કોરોના વાયરસે ભારે કહેર મચાવેલ છે. દરરોજના હજારો લોકો મરી રહ્યા છે. જીવનનો છેલ્લો મુકામ કહી શકાય એવા સ્મશાન ગૃહ આજે ઉભરાઈ રહ્યા છે અને અંતિમ વિધિમાટે લાકડાઓ ખૂટી પડ્યા છે. દુઃખની વાત છે કે ગુજરાતમાં લોકોએ આજે આ દિવસો જોવાનો વારો આવ્યો છે. રાજયમાં અનેક જગ્યાએ જલાઉ લાકડાનો જથ્થો આપના વિભાગ હસ્તક પડેલ છે. આ જલાઉ લાકડાનો જથ્થો નજીકના મોટા સ્મશાન ગૃહોને વ્યાજબી ભાવે પુરા પાડવા સૂચના આપવા વિનતી છે જેથી અંતિમ સંસ્કાર વખતે તકલીફ ના થાય. આશા રાખું છું કે સરકાર આ સમયે સંવેદનશીલતા દાખવે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.