Rajkot Lok Sabha Seat: પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયોએ વિરોધ યથાવત રાખતા સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠક પર ચૂંટણી લડવાનું પરેશ ધાનાણીએ મન બનાવી લીધુ છે. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલા અડીખમ રહે તે સંજોગોમાં ઉમેદવારી કરવાની રાજકોટ કૉંગ્રેસ નેતાઓની દરખાસ્તને સ્વીકારી લેવાનું પરેશ ધાનાણીએ નક્કી કરી લીધુ છે.


પરિવારજન, સગાસંબંધી, સમર્થકો અને પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી ચૂંટણી લડવા પરેશ ધાનાણી તૈયારી કરવા લાગ્યા છે. ધાનાણીની આ તૈયારી રૂપાલા ચૂંટણી લડે તો જ ઉમેદવારી કરવાને લઈને છે. સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે ઉમેદવારી કરવા જરૂરી દસ્તાવેજો પણ ધાનાણી તૈયાર કરવા લાગ્યા છે.


લલિત કગથરા સહિતના રાજકોટ શહેર કૉંગ્રેસના નેતાઓ સાથે અમરેલીમાં ગઈકાલની બેઠક બાદ ધાનાણીએ સક્રિયતા વધારી છે. અમરેલી વિધાનસભા બેઠક પર પરશોત્તમ રૂપાલાને 2002માં હરાવી જાયન્ટ કિલર સાબિત થયેલ ધાનાણીની ઉમેદવારીને પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું પણ સમર્થન છે. ત્યારે રૂપાલા રાજકોટથી ઉમેદવારી પત્રક ભરે અને ધાનાણી પણ ત્યાંથી જ ચૂંટણી લડે તો આ જંગ રોચક થવાનો નક્કી મનાય રહ્યો છે.


રૂપાલા કડવા પાટીદાર છે. તો ધાનાણી લેઉવા પાટીદાર અને રાજકોટ બેઠક પર કડવા અને લેઉવા પાટીદારોની મતસંખ્યા લગભગ સરખી છે ત્યારે અહીં પાટીદાર વર્સિસ પાટીદારના જંગમાં કૉંગ્રેસને ક્ષત્રિય મતદાતાઓના સર્મથનની પણ અપેક્ષા પ્રબળ બની છે. ધાનાણીને ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત અંતિમ ઘડીએ થશે. જો કે આ જ મુદ્દે પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સાથે આજે ચર્ચા થઈ જશે તે નક્કી છે.


લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે


લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.


26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
 
વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.


લગભગ 50 કરોડ પુરૂષો અને 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે. અહીં 1.8 કરોડ પ્રથમ વખત મતદાન કરશે, 88.40 લાખ દિવ્યાંગ લોકો, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ, 48000 થર્ડ જેન્ડર મતદારો છે.