Gujarat Weather Update: બીપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને PGVCL ના અધિકારીઓએ મિટિંગ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરા સામે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે,તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જેથી આ વખતે આગમચેતીરુપે સૌરાષ્ટ્રના દરેક ડિવિઝનમાં 25થી વધુ લાઈનમેન, ચાર ઈજનેર અને કોન્ટ્રાક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 11,000થી વધુ કર્મચારીઓ તેનાત રાખવામાં આવશે.
PGVCL મુખ્ય કચેરીમાં કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય હેડક્વાર્ટર ન છોડવા માટે તમામ પીજીવીસીએલના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે. કોસ્ટલ વિસ્તારમાં અસર થાય તો તુરત વહેલી તકે કામગીરી કરવા પીજીવીસીએલ ટીમની તૈયારી છે. વાવાઝોડાના સંકટ સામે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
અમરેલી કલેક્ટર અજય દહીયા રાજુલા SDM કચેરીમાં પહોંચ્યા હતા. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલના સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોસ્ટગાર્ડ,રેવન્યુ,પોલીસ પીજીવીસીએલ સહિત અલગ અલગ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ ત્રણ જેટલી બેઠક યોજાઈ હતી. કલેક્ટરે સમગ્ર દરિયા કાંઠાની માહિતી મેળવી હતી. વાવાઝોડાની અસર થાય તો કેવી રીતે કામગીરી કરી શકાય તેના માટે પ્રશાસનની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.
બીચ પર સહેલાણીઓને જવા પર લાગ્યો પ્રતિબંધ
પરજોય વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
સમગ્ર ગુજરાત ઉપર બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે. તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકોને દુકાનનો જરૂરી સામાન કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દરિયા નજીક ન જવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. વલસાડના ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.