ભરૂચ: શહેરમાં સૌપ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે. પિયુષભાઈને છેલ્લા ૧૫ દિવસથી વારંવાર માથામાં સખત દુ:ખાવાની ફરિયાદ હતી. ૨૬ ઓકટોબરના રોજ માથામાં ખુબ જ દુ:ખાવો થવાથી તેઓ સૂઈ ગયા હતા ત્યાર બાદ તેમની તબિયત બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક નજીકમાં આવેલ ઝુલેલાલ હોસ્પીટલમાં દાખલ કર્યા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટરમાં ફિજીશયન ડો. કેતન દોશીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાર બાદ ૩૦ ઓક્ટોબરના રોજ ડોક્ટરોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા.
ત્યાર બાદ ડોનેટ લાઈફ ભરુચના કન્વીનર ગૌતમ મહેતાએ ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પિયુષભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડોનેટ લાઈફ ભરુચના કન્વીનર ગૌતમ મહેતા, સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, મુક્તાનંદ સ્વામી સાથે રહી પિયુષભાઈના પિતા જશુભાઈ, પત્ની અંકિતાબેન, પુત્ર જેનીશ, બનેવી દિનેશભાઇ તથા પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.
પિયુષભાઈના પિતા જશુભાઈ,પત્ની અંકિતાબેન, પુત્ર જેનીશ, બનેવી દિનેશભાઇ તથા પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યુ કે પિયુષભાઈ સમાજના લોકોને મદદ કરવા હંમેશા ઉત્સુક રહેતા હતા, આજે જયારે તેઓ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત છે ત્યારે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે. મૃત્યુ પામ્યા બાદ પણ તેઓ કોઈ વ્યક્તિને નવું જીવન આપી શકે તેમ હોઈ ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપવા માટે આપ આગળ વધો.
પિયુષભાઇના પરિવારમાં વૃદ્ધ માતા-પિતાની સાથે પત્ની અંકિતાબેન, પુત્ર જેનીશ ઉ.વ. ૧૬ જે ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે અને પુત્રી પ્રિન્સી ઉ.વ. ૮ ધોરણ ૩ માં અભ્યાસ કરે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરવામાં આવ્યો.
SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યુ. બંને કિડની અમદાવાદની હોસ્પીટલોને ફાળવવામાં આવી. લિવર અને કિડનીનું દાન ડો. ધર્મેશ ધનાણી, ડો.પ્રશાંત રાવ, ડો.આનંદ પસ્તાગીયા, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓડીનેટર ચંદ્રેશ ડોબરિયા, સંજય ટાંચક અને તેમની ટીમે સ્વીકાર્યું. બંને કિડની ભરૂચથી SOTTO માં મોકલવામાં આવી. ચક્ષુઓનું દાન નાહર આઈ બેન્ક જયાબેન મોદી હોસ્પીટલે સ્વીકાર્યું.
ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો
દાનમાં મેળવવામાં આવેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. SOTTO દ્વારા બંને કિડની જે હોસ્પીટલોને ફાળવવામાં આવશે તે હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં નાહર આઈ બેન્ક જયાબેન મોદી હોસ્પીટલમાં કરવામાં આવશે. લિવરને સમયસર ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટરથી સુરતની કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.