25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. તો દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે.

ગુજરાતના અંદાજે 51.34 લાખ ખેડૂતોને 2 હજાર રૂપિયા મળવાની ધારણા છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જમાવ્યું કે, કુલ મળીને 1020 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે.

ત્રમ સરખા હપ્તામાં આપવામાં આવે છે રકમ

જણાવીએ કે, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશભરના તમામ રજિસ્ટર્ડ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયા પ્રતિ વર્ષ મદદ કરવામાં આવે છે. પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે 25 ડિસેમ્બરે પીએમ ડિસેમ્બર અને માર્ચના ક્વાર્ટર માટે ચાલુ નાણાંકીય વર્ષનો અંતિમ હપ્તો જમા કરશે.

નોંધનીય છે કે, 25 ડિસેમ્બરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જયંતી પણ છે. આ અવસર પર પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધિત પણ કરશે.

આ રીતે કરો બેલેન્સ ચેક

જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાંથી એક છો તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી રૂપિયા ટ્રાન્સફર થવા પર પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો.

તેના માટે સૌથી પહેલા pmkisan.gov.inની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ હોમપેજ પર Kisan Corner પર ક્લિક કરો, હવે તમારા સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી નવું પેજ ખુલી જશે. અહીં તમારે તમારો ખાતા નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. ત્યાર બાદ Get Report પર ક્લિક કરો. અહીં તમને તમારા બેલેન્સ સંબંધિત તમામ જાણકારી મળી જશે.