કચ્છ:  અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સહભાગી થયા હતા. આ પ્રસંગે પીએમએ કહ્યું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. "કચ્છડો ખેલે ખલક મેં..." ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યુ હતું કે, આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે કારણ કે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. 

 

 





વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજની સેવાના ૧૦૦ વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના ૫૦ વર્ષ અને મહિલા પાંખના ૨૫ વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે. જ્યારે કોઈ પણ સમાજના યુવાનો, માતાઓ બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે. આનંદ સાથે તેમણે કહ્યું કે સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વીતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે.

 

કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે. પાટીદાર સમાજનો અનેક વર્ષોનો ઈતિહાસ, ૧૦૦ વર્ષની કચ્છ કડવા પાટીદાર સમાજની યાત્રા અને ભવિષ્યનું વિઝન એ ભારત અને ગુજરાતને જાણવા અને જોવાનું માધ્યમ પણ છે. સેંકડો વર્ષો પૂર્વે આ સમાજ પર વિદેશ આક્રમણકારોએ અત્યાચાર કર્યા છે. આમ છતાં સમાજના પૂર્વજોએ પોતાની ઓળખાણ બનાવી રાખીને પોતાની આસ્થાને ખંડિત થવા દીધી નથી. આજે આપણે સદીઓ પહેલાના ત્યાગ અને બલિદાનના પ્રભાવને સફળ સમાજની પેઢી તરીકે જોઈ રહ્યા છીએ. આજે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં પોતાની સફળતાની ધ્વજ પતાકા લહેરાવી રહ્યા છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાના શ્રમ અને સામર્થ્યથી આગળ વધી રહ્યા છે. 

 

ટીમ્બર, પ્લાયવૂડ, હાર્ડવેર, માર્બલ હોય કે પછી બિલ્ડીંગ મટીરિયલ હોય તમામ સેક્ટરમાં પાટીદાર સમાજ છવાયેલો છે. વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ બધાની વ્યવસાયની સાથે જ તમે પેઢી દર પેઢી, વર્ષોથી પોતાની પરંપરાનું માન વધાર્યું છે. આ સમાજે પોતાના વર્તમાનનું નિર્માણ કરીને પોતાના ભવિષ્યનો‌ પાયો નાખ્યો છે.