ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.  ભાવનગર ભાવનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું.  તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.


મોદી હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કરતાં હતા ત્યારે તેમના હાથમાં એક ડિવાઇસ જોવા મળ્યું હતું. આ ડિવાઇસ જીપીએસ ટ્રેકર હતું. સરકારી અધિકારી પણ ટીવી સ્ક્રીન પર થોડી સેકંડ માટે મોદીને માહિતી આપતાં જોવામળ્યા હતા.




વડાપ્રધાન મોદીને ભાવનગર એરપોર્ટ પર આવકારવા માટે મુખ્યમંત્રી રૂપાણી, ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ   પંકજ કુમાર, ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ  મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.


હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમદાવાદ પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરશે. પીએમ મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કેંદ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ ખાતરી આપી હતી.


અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અમદાવાદ એરપોર્ટ પર સીએમ સહિત મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આમાં 106 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.