PM Modi Gir Lion Safari Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે પર સોમવારે (3 માર્ચ) સવારે જૂનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા. સોમનાથથી પાછા ફર્યા બાદ મોદીએ સાસણમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ 'સિંહ સદન'માં રાત્રી વિશ્રામ કર્યો હતો. રવિવાર (2 માર્ચ) સાંજે, તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી. 'સિંહ સદન' થી વડાપ્રધાન મોદી જંગલ સફારી પર ગયા હતા. તેમની સાથે કેટલાક મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.

વડાપ્રધાન સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે. NBWLમાં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. બેઠક પછી મોદી સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે.

'પ્રોજેક્ટ લાયન' હેઠળ 2,900 કરોડ રૂપિયા મંજૂર

એક સરકારી પ્રકાશનમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 'પ્રોજેક્ટ લાયન' હેઠળ 2,900 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી છે. આ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાત છે. હાલમાં ગુજરાતના નવ જિલ્લાઓના 53 તાલુકાઓમાં એશિયાટિક સિંહો લગભગ 30,000 ચોરસ કિલોમીટરમાં વસે છે

એક અત્યાધુનિક હોસ્પિટલ પણ સ્થાપિત કરવામાં આવી છે

આ ઉપરાંત એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢ જિલ્લામાં 20.24 હેક્ટરથી વધુ જમીન પર વન્યજીવોના તબીબી નિદાન અને રોગ નિવારણ માટે 'નેશનલ રેફરલ સેન્ટર' સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવવા માટે સાસણ ખાતે વન્યજીવન દેખરેખ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલની પણ સ્થાપના કરવામાં આવી છે.

'વનતારા' ની પણ મુલાકાત લીધી

રવિવારે પ્રધાનમંત્રી મોદીએ રિલાયન્સ જામનગર રિફાઇનરી પરિસરમાં સ્થિત પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર 'વનતારા'ની પણ મુલાકાત લીધી હતી. આ બચાવ કેન્દ્ર હાથીઓ અને વન્યજીવોના કલ્યાણ માટે સમર્પિત છે, જે બચાવેલા પ્રાણીઓને આશ્રય, પુનર્વસન અને તબીબી સંભાળ પૂરી પાડે છે.

PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો