PM Modi Gujarat Visit: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી આજે નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાજંલિ અર્પણ કરશે. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે 5 ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટ, ત્રણ પ્રવાસન આકર્ષણના પ્રોજેક્ટ અને 3 ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાશે.






પીએમ વર્ચ્યુઅલી એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. આ ટ્રેન 31 ઓક્ટોબર સવારે 7 વાગ્યે એકતાનગર રેલવે સ્ટેશન આવી પહોંચશે. પીએમના હસ્તે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કમલમ પાર્કનું લોકાર્પણ થશે. ખાસ નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફૂટ કે જે કમલમ તરીકે જાણીતુ છે તેની નર્સરી બનાવવામાં આવી છે.






પીએમ મોદી 81 કરોડના ખર્ચે નિર્માણ થનારા સહકાર ભવનનું લોકાર્પણ કરશે. ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક લિમિટેડના આ સહકાર ભવનનું નિર્માણ ખાસ ટીમે કર્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ બનશે. પીએમના હસ્તે ગ્રીન ઈનિશિયેટીવ હેઠળ પાંચ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.


અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે મહેસાણામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું.  


પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણાના ખેરાલુમાં ચંદ્રયાન-3 અને G-20ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વનો કોઈ દેશ અત્યાર સુધી ચંદ્રના જે વિસ્તારમાં પોતાનું યાન ન ઉતારી શક્યો ત્યાં ભારત સફળતા પૂર્વક પહોંચ્યું છે. વિશ્વના લોકો અને નેતાઓ ભારતની સફળતાથી ચોંકી ઉઠ્યા છે.