PM Modi Gujarat Program: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં પીએમ મોદીનો સુરત અને ભાવનગરમાં રોડ શો પણ થશે. વડાપ્રધાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં વિવિધ કાર્યક્રમોમાં આશરે રૂ. 29,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વિશ્વ-સ્તરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, ગતિશીલતા વધારવા અને જીવનની સરળતામાં નોંધપાત્ર સુધારો કરવાનો છે.
પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે. આ પછી પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રોમાં પણ મુસાફરી કરશે. કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે.
ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 36મી નેશનલ ગેમ્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. આ સાથે જ વડાપ્રધાન નવી બ્રોડગેજ લાઇનનો શિલાન્યાસ કરશે, જેનાથી યાત્રિકોને અંબાજી જવામાં સરળતા રહેશે. પીએમ અંબાજી મંદિરની પણ મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. આ સાથે પીએમ મોદી અમદાવાદમાં નવરાત્રી પર્વની ઉજવણીમાં પણ ભાગ લેશે.
અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમયે ગુજરાતના પ્રવાસે છે. તેમના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહ આજે તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શાહ મંગળવારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં 750 બેડની હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ બેઠક માટે જશે. આજે બપોરે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે અમિત શાહ બેઠક કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે.
પોતાના કાર્યક્રમોમાં 12.30 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ પર બેઠક કરશે. અગાઉ કેન્સ વિલે ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.