ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની માંગણીઓનો સ્વીકાર કર્યો છે. આવતી કાલે અંબાજીથી 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના'નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. મહત્વનું છે કે, વર્ષ 2022-23ના બજેટમાં 'ગૌ માતા પોષણ યોજના'ની જાહેરાત કરાઈ હતી. 


ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની યોજનાઃ


પ્રધાનમંત્રી મોદી ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. પીએમ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે. 


પ્રતિક રૂપે 5 ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપશે પીએમ મોદીઃ


રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ ના બજેટમાંજાહેર કરવામાં આવી હતી. આ યોજનાની સહાય આપવા માટે ગૌશાળ અને પાંજરાપોળના સંચાલકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. ત્યારે આવતીકાલે પીએમ મોદી આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે 5 જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.


PM મોદીનો 30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ


૩૦ સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ. ૩૦મીએ સવારે ૧૦.૧૫ કલાકે વંદે ભારત ટ્રેન ને કરાવશે ફ્લેગ ઓફ. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ. કાલુપુરથી સવારે ૧૧.૩૦ કલાકે મેટ્રો ટ્રેનના ૨ રૂટની પ્રધાનમંત્રી શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે ૧૨.૩૦ વાગે સભાને સંબોધશે પીએમ.
 
અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાંજે ૩.૩૦ કલાકે દાંતા જવા રવાના થશે પીએમ. દાતા સાંજે ૪.૪૫ ખાતે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ૩૦ તારીખે પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદિરે દર્શન કરી સાંજે ૭ વાગે ગબ્બર ખાતે દર્શન કરશે પીએમ મોદી.  રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.