ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના પ્રવાસના ત્રીજા દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં WHOના વડા ટ્રેડોસ એડનોમ, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ, કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ વિઝા કેટેગરીની શરુ કરાશેઃ
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના ઉદ્ઘાટનમાં તેમણે આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત આમ પણ હેલ્થ ટુરિઝમ માટે જાણીતું છે. હવે હેલ્થ ટુરિઝમના વિઝામાં આયુષ કેટેગરીના સ્વરૂપમાં નવી વિઝા કેટેગરી શરૂ કરવામાં આવશે. આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાથી લોકોને દેશમાં આવવામા અને વિદેશના લોકોને આયુર્વેદિક સારવાર લેવામાં સરળતા રહેશે.
આયુષ ઉત્પાદનો પર આયુષ માર્કોઃ
પીએમ મોદીએ બીજી મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારત તેના આયુષ ઉત્પાદનો પર આયુષ માર્કો લગાવશે, જેથી તેનું ડુપ્લિકેશન થવાની સંભાવના ન રહે. સમગ્ર દેશમાં આયુષ પાર્ક ઊભા કરવામાં આવશે. ભારત ખાસ આયુષ માર્કો બનાવવા જઈ રહ્યુ છે. આયુષમાં પણ રિસર્ચ એન્ડ એનાલિસિસ પાર્ક બનશે. તેમણે કહ્યું હતું કે કેરળમાં ટુરિઝમને વેગ આપવામાં પરંપરાગત દવાઓનું મહત્વનું પ્રદાન છે. મોદીએ જણાવ્યું હતું કે લક્ષ્મણજી મૂર્છા પામ્યા ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લઈ આવ્યા હતા, આમ આત્મનિર્ભર ભારત ત્યારે પણ હતું.
પીએમ મોદીએ કહ્યું કે, આયુષ સેક્ટરમાં વૃદ્ધિથી આયુષની માંગ સતત વધશે. 2014 પહેલાં આયુષ સેક્ટર ત્રણ અબજ ડોલરથી પણ ઓછી રકમનું હતું. આજે આયુષ સેક્ટરનું મૂલ્ય 18 અબજ ડોલરને પાર કરી ગયું છે. આમ આઠ વર્ષના સમયગાળામાં તેમાં છ ગણો વધારો નોંધાયો છે. આમ આપણે તેમા જબરજસ્ત ભવિષ્ય અને તેજી જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, આયુષમાં રોકાણ અને ઇનોવેશનની અસીમિત સંભાવનાઓ છે. આ જ યોગ્ય સમય છે જ્યારે આયુષમાં રોકાણ વધારવામાં આવે.