PM Modi rally Ahmedabad highlights: ગજુરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અમદાવાદમાં નિકોલમાં જનસભા ગજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરી અને દેશને 'વિકસિત ભારત' બનાવવાનો રોડમેપ રજૂ કર્યો. તેમણે સ્વદેશી ઉત્પાદનો પર ભાર મૂકીને વેપારીઓને ગુણવત્તા સુધારવા અને કિંમત ઘટાડવા અપીલ કરી. સાથે જ, તેમણે છેલ્લાં 11 વર્ષમાં થયેલા વિકાસકાર્યો, જેમ કે મેટ્રો, રિવરફ્રન્ટ અને SP રિંગ રોડના વિકાસનો ઉલ્લેખ કર્યો. તેમણે GST સુધારાઓ દ્વારા લોકોને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી અને કોંગ્રેસ પર ભારતને વિદેશીઓ પર નિર્ભર રાખવાનો આરોપ પણ લગાવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 'વિકસિત ભારત'ના નિર્માણ માટે એક મોડેલ ગણાવ્યું. તેમણે ભારતના વેપારીઓ અને ઉત્પાદકોને ગુણવત્તા સુધારવા અને કિંમત ઘટાડવા અપીલ કરી, જેથી ભારતીય ગ્રાહકો સ્વદેશી વસ્તુઓ જ ખરીદે. તેમણે 'મેઇડ ઇન ઇન્ડિયા' નો જીવન મંત્ર બનાવવા પર ભાર મૂક્યો. તેમણે ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો, જેમ કે સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવનું નવસર્જન, અને રેલવેના વિદ્યુતિકરણની પ્રશંસા કરી. આ ઉપરાંત, તેમણે GST માં સુધારા કરીને દિવાળીએ મોટી ભેટ આપવાનું વચન આપ્યું. મોદીએ કોંગ્રેસ સરકારો પર દેશને સંરક્ષણ અને અન્ય વસ્તુઓ માટે વિદેશીઓ પર નિર્ભર રાખવાનો આરોપ મૂક્યો, અને આતંકવાદ સામે ભારતની આધુનિક નીતિનો પણ ઉલ્લેખ કર્યો.
ગુણવત્તા અને કિંમતનો મંત્ર
વડાપ્રધાન મોદીએ ભારતીય ઉત્પાદકોને સીધી અપીલ કરતાં કહ્યું, "ગુણવત્તા સુધારો, કિંમત ઘટાડો. હિન્દુસ્તાની ક્યારેય બહારથી કશું લેશે નહીં." તેમણે દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો મંત્ર અપનાવવા અને વેપારીઓને વિદેશી માલ ન વેચવા માટે વિનંતી કરી. આ પગલાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે.
'ભલે ગમે તેટલું દબાણ આવે, અમે અમારી તાકાત વધારીશું'
પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે દેશના ખેડૂતો અને પશુપાલકોનું હિત તેમના માટે સર્વોપરી છે. તેમણે કહ્યું, "હું મારા નાના ઉદ્યોગસાહસિકો, નાના દુકાનદારો, ખેડૂતો, પશુપાલકોને કહીશ કે હું ગાંધીજીની ભૂમિ પરથી બોલી રહ્યો છું, ભલે તે મારા દેશના નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, પશુપાલકો હોય, મોદી માટે તમારું હિત સર્વોપરી છે. મારી સરકાર ક્યારેય નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, પશુપાલકોને કોઈ નુકસાન થવા દેશે નહીં. ગમે તેટલું દબાણ આવે, આપણે સહન કરવાની આપણી તાકાત વધારતા રહીશું."
અમદાવાદ: વિકાસનું કેન્દ્ર
વડાપ્રધાને અમદાવાદના પરિવર્તનને યાદગાર બનાવ્યું. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે અમદાવાદને 'ખાડાવાદ' કહેવામાં આવતું હતું અને સાબરમતી નદી સૂકી હતી. આજે રિવરફ્રન્ટ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. કાંકરિયા તળાવ, જે એક સમયે અસામાજિક તત્વોનો અડ્ડો હતો, તે આજે કાંકરિયા કાર્નિવલ નું ઘર બન્યું છે. તેમણે કહ્યું કે અમદાવાદ હવે સપના અને સંકલ્પોનું શહેર બનીને દુનિયામાં ચમકી રહ્યું છે અને કોન્સર્ટ અને સ્પોર્ટ્સ ઇકોનોમી નું કેન્દ્ર બની રહ્યું છે.
આર્થિક સુધારાઓ અને ભેટ
પીએમ મોદીએ જણાવ્યું કે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, અને હવે સરકાર નિયો મિડલ ક્લાસને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે અમદાવાદના લોકોને ખુશખબર આપતા જણાવ્યું કે GST માં સુધારા કરીને દિવાળીએ મોટી ભેટ આપવામાં આવશે, જેનાથી વેપારીઓ અને સામાન્ય લોકોને ડબલ બોનસ મળશે. તેમણે ₹12 લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સ માફ કરવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો.
સાબરમતી આશ્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી
વડાપ્રધાને સાબરમતી આશ્રમના નવીનીકરણ વિશે વાત કરી અને કહ્યું કે આ નવીનીકરણ પછી તે દુનિયાની સૌથી શાંતિની પ્રેરણાભૂમિ બનશે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી આશ્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાતની આ ધરતી બે મોહન, સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણ અને ચરખાધારી બાપુની ધરતી છે, જેમણે દુશ્મનોને સજા આપી હતી.
કોંગ્રેસ પર પ્રહાર અને આત્મનિર્ભરતા
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે વર્ષો સુધી ગાંધીના નામનો ઉપયોગ કર્યો, પણ સ્વચ્છતા કે સ્વદેશીની વાત ન કરી. તેમણે કોંગ્રેસ પર ભારતને બીજા દેશો પર નિર્ભર રાખવાનો આરોપ મૂક્યો, જેથી આયાતમાં કૌભાંડો કરી શકાય. તેમણે કહ્યું કે આજે ભારત આત્મનિર્ભરતાના પથ પર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, તેમણે અમદાવાદના રમખાણોના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે.
આતંકવાદ સામે કડક વલણ
આતંકવાદ સામેની નીતિ વિશે વાત કરતા, તેમણે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 22 મિનિટમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જે ભારતની મજબૂત ઇચ્છાશક્તિનું પ્રતીક છે.
સંબોધનમાં વડાપ્રધાને તાજેતરમાં દેશના જુદા જુદા ભાગોમાં વાદળ ફાટવાની ઘટનાઓથી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારો સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.