Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથથી શરૂ કરીને તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ તેમણે ધોરાજી અને હવે અમરેલીમાં સભા ગજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ભાજપના વિજય સંકલ્પમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા સહિતના આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં અમરેલી જિલ્લાની પાંચ બેઠકોના ઉમેદવારો પણ ઉપસ્થિત. રહ્યા હતા. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી પડી હતી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, અમરેલીએ કમાલ કરી દીધી છે. અમરેલીની ચૂંટણી અહીંયા બેઠેલા લોકોના હાથમાં છે. ગયા 20 વર્ષમાં અહીંયા પ્રગતિ થઈ છે. પીપાવાવ પોર્ટ જાગતું થયું છે.
અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું: PM મોદી
ગુજરાતમાં કૃષિ વિકાસ દર જે માઇનસમાં હતો એ આપણી મહેનતનું પરિણામ આવ્યું કે, આજે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર થયો. PM કિસાન સમ્માનનિધિ પાછળ દેશમાં સવા બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા છે.
અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનવાનું છે જે ઈતિહાસમાં એક નવું પ્રકરણ તરીકે ઉમેરાશે એનો વિશ્વાસ તમે કરજો. પીપાવાવ પોર્ટ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બન્યું છે. અમરેલીએ ઉદ્યોગમાં નવી છબી બનાવી છે. ગયા વીસ વર્ષમાં અહીંયાં જે પ્રગતિ થઈ છે એની જે સિદ્ધિઓના આંકડા છે, અહીંના જીવનમાં જે બદલાવ આવ્યો છે એના કારણે તમે વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. વેરાવળ, ધોરાજી બાજ પીએમ મોદી અમરેલી પહોંચ્યા. જયાં તેમણે કહ્યું અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું. જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા કે જે અમરેલીના હતા પણ આ મોદી એવો મુખ્યમંત્રી હતો કે અમરેલી જેનું હતું..
લોકશાહી માટે એક એક મત મહત્વનો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે લોકશાહી માટે એક એક મત મહત્વનો છે દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે લોકશાહી ટકાવવા માટે ખૂબ મહત્વનો છે. જરૂરી નથી કે બધા મત કમળને જ આપે પરંતુ મતદાન કરે તે અનિવાર્ય છે. ઘણા પોલિટિકલ એનાલિસિસ મીડિયા તમામ કહી રહ્યા છે કે ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે ત્યારે પ્રધાનમંત્રી પોતે શા માટે પ્રચારમાં છે તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભલે મને ખ્યાલ છે કે અમે જીતવાના છીએ પરંતુ આપના સુધી પહોંચવું આપના આશીર્વાદ લેવા અને પોતાના કામનું સર્વે જનતા સમક્ષ પ્રસ્તુત કરવું એ મારી ફરજ છે. એટલા માટે હું ચૂંટણી પ્રચારમાં આવી રહ્યો છું. આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશ ઉજવી રહ્યો છે ત્યારે આવતા 25 વર્ષ એ શતક લગાવીને ગતિમાન વિકાસ સાથે ઉજવવાના છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.