Morbi Bridge Collapse: પ્રધાનમંત્રી મોદી કેવડિયામાં મોરબી પુલ દુર્ઘટના પર ભાવુક થયા હતા. તેમણે કહ્યું, મારું મન પીડિત પરિવારો સાથે છે. સરકાર પીડિત પરિવારો સાથે છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર શક્ય તમામ મદદ કરી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે કેવડિયામાં સંબોધન દરમિયાન તેઓ ભાવુક થયા હતા. તેમણે કહ્યું મેં જીવનમાં ક્યારેક જ આ પ્રકારે દર્દનો અનુભવ કર્યો છે. એક તરફ મારું દિલ દર્દથી ભરઈ ગયું છે તો બીજી તરફ કર્તવ્યનો રસ્તો છે. તેમણે કહ્યું કે NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આમાં આર્મી અને એરફોર્સની ટીમ મદદ કરી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાને દેશના લોકોને આશ્વાસન આપ્યું હતું કે રાહત અને બચાવ કાર્યમાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં.
સરકાર આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારજનો સાથે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારજનો સાથે દરેક રીતે છે. ગુજરાત સરકાર ગત સાંજથી પુરી તાકાત સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને સંપૂર્ણ મદદ આપવામાં આવી રહી છે. બચાવ કાર્યમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આમાં આર્મી અને એરફોર્સની ટીમ મદદ કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે ઘાયલોની સારવારમાં સંપૂર્ણ તત્પરતા રાખવામાં આવી રહી છે. લોકોને મુશ્કેલી ઓછી થાય તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
PM મોદીએ દેશવાસીઓને શું આપ્યું આશ્વાસન?
વડાપ્રધાને કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અકસ્માતના સમાચાર મળતાં જ મોરબી પહોંચી ગયા છે અને તેઓ રાહત અને બચાવ કાર્ય પર દેખરેખ રાખી રહ્યા છે. રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. તેમણે દેશની જનતાને આશ્વાસન આપ્યું કે રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી આવવા દેવામાં આવશે નહીં.