ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આજે હિંમતનગરની સાબર ડેરીના 305 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તો 125 કરોડના ટેટ્રાપેકના પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જ્યારે 600 કરોડના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અંતર્ગત દીકરીઓનાં ખાતાં ખોલવાનો કાર્યક્રમ અને પશુપાલક મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોણા ચાર લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે. બંને જિલ્લાની 1900 કરતા વધુ દૂધ મંડળીઓ સાબરડેરી સાથે સંકળાયેલ છે. દૈનિક 33.27 લાખ લીટર દૂધની પશુપાલકો પાસેથી ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે સાબરડેરીએ 6805.94 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. ગત વર્ષે સાબરડેરીએ 5710 કરોડનું ટર્ન ઓવર કર્યું હતું.






આજનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી ચેન્નઇ જવા રવાના થશે. ત્યારબાદ આવતીકાલે ફરી ગાંધીનગરના પ્રવાસે આવશે.  જ્યાં દેશના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તથા ઈન્ડિયા-ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે. જે બાદ ગિફ્ટ સિટીમાં આવેલા એક્સચેન્જમાં શરુઆતના તબક્કામાં દરરોજ 50 હજાર કરોડથી વધુ સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે. અહીંથી સોનાની આયાત થઈ શકશે. પરંતુ નિકાસ નહીં થઈ શકે. આ સાથે આ એક્સચેન્જ ભારતમાં સોનાનું સૌથી મોટું પ્રવેશદ્વાર બની જશે.