Narmada News: પોઇચા ખાતે સર્જાયેલી કરુણાંતિકામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઇ રહેલી બચાવ કામગીરી દરમિયાન આજ બુધવારે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં એનડીઆરએફ, ફાયર ફાયટરની ટીમો દ્વારા ૬ જેટલી બોટ, નાવડી દ્વારા નદીમાં બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. ૬૦થી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં અઢી કિલોમિટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

રાજપીપળા સ્થિત આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગઇ કાલ તા. ૧૪ના રોજ મધ્યાહનના સમયે પોઇચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના ૧૭ સભ્યો પોઇચા નિલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે આ કરુણાંતિકા સર્જાઇ હતી અને જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઇ ગઇ હતી. એ દરમિયાન, ન્હાવા પડેલી મગનભાઇ નાનાભાઇ જીંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધી હતી.
આપત્તિ વ્યવસ્થાપન કક્ષને મળેલા રિપોર્ટ મુજબ ભરતભાઇ મેઘાભાઇ બલદાણિયા (૪૫), આર્નવ ભરતભાઇ બલદાણિયા (૧૨), મૈત્રવ ભરતભાઇ બલદાણિયા (૧૫), વ્રજ હિંમતભાઇ બલદાણિયા (૧૧), આર્યન રાજુભાઇ જીંજાળા (૭), ભાર્ગવ અશોકભાઇ હડિયા (૧૫) અને ભાવેશ વલ્લભભાઇ હડિયા (૧૫) નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા.

નર્મદા જિલ્લા વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી. આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી સાત વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી.





નાંદોદ પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તા. ૧૪ના બપોરથી આદરવામાં આવેલી શોધખોળમાં એનડીઆરએફ અને વડોદરાની કુલ મળી ત્રણ બોટ ઉપરાંત સ્થાનિક ત્રણ નાવડીમાં બચાવકર્મીઓ દ્વારા નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આજ તા. ૧૫ને બુધવારના સવારે આઠેક વાગ્યે ભાવેશભાઇ વલ્લભભાઇ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. વ્રજ હિંમતભાઈ બલદાનિયા નો મૃતદેહ મળ્યો છે. અત્યાર સુધીમાં કુલ ત્રણ મૃતદેહ મળ્યા છે. હજી પણ 4 લાપતા છે  એન.ડી.આર.એફ સહિત ફાયર વિભાગ અને સ્થાનિક નાવિકો કામે લાગ્યા છે

એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની ટીમ મળી કુલ ૬૦થી વધુ બચાવકર્મીઓ દ્વારા પોઇચાથી શ્રીરંગ સેતુ સુધીના અંદાજે અઢી કિલોમિટરના વિસ્તારમાં નર્મદા નદી અંદર શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ, શ્રી રંગસેતુ આસપાસ મગરોની હાજરી ઉપરાંત વહેતા વહેણ હોવાથી તમામ પ્રકારની તકેદારી સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક અહેવાલો મુજબ ડૂબી જનારા પરિવાર મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે અને હાલમાં વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયા છે. ઉનાળું વેકેશનના કારણે આ પરિવાર પોઇચા ધામ અને કરનાણી ખાતે ધાર્મિક યાત્રાએ આવ્યો હતો અને તે સમયે આ દુઃખદ ઘટના બની હતી. હાલમાં નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા આ પરિવારને પોઇચા ધામ ખાતે રાખવામાં આવ્યો છે.