Happy New Year 2023: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31st ની ઉજવણી પહેલા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજી નંબર વધી રહ્યા છે. પોલીસ દ્વારા તમામ લોકોને મંડપ અને હોલ ભાડે રાખી ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો એ પણ એક ગુનો જ છે છતાં જે લોકો દારૂ પીવે છે અને ગુજરાતમાં પ્રવેશે અને પોલીસ એના ઉપર કાર્યવાહી કરે છે. પોલીસની દ્રાઇવ ચાલતી હોવાની ખબર હોવા છતાં લોકો સંઘ પ્રદેશમાંથી દારૂ પીને આવતા હોય છે.
બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા
વલસાડમાં કે જ્યાં સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને અન્ય મહારાષ્ટ્રની બોર્ડરો નજીક છે અને લોકો 31stની મજા માણવા જતા હોય છે અને દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ કાર્યવાહી કરે છે. પરંતુ 31ની પાર્ટી પહેલા જ પોલીસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લામાં 39 ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનલાઈઝર વડે ચેકીંગ કરતા જિલ્લામાં બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે કાર્યવાહી હાલ પણ ચાલુ રહેનાર છે.
તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું
પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રિથ એનલાઈઝર વડે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 940 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી. પોલીસ દ્વારા તમામ લોકોને રાખવા માટે હોલ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.
દારૂડિયાઓમાં ફફડાટ
જામીનપાત્ર ગુના અંગે વધુ વિગત આપતા વલસાડના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જે જામીનપત્ર ગુનો છે તેને સ્થળ પર જ જામીન મળી જાય છે અને જે બિનજામીન પાત્ર ગુનો છે તેને કોર્ટ તરફથી જામીન મળી શકે છે. હાલ વલસાડ પોલીસની આ કાર્યવાહીને લઈને દારૂડિયાઓમાં ફફડાટ જોવા પણ મળ્યો હતો