Happy New Year: સમગ્ર વિશ્વમાં આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણીની શરુઆત થઈ ગઈ છે તો બીજી તરફ અમદાવાદીઓ પણ નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. અમદાવાદમાં દર વર્ષે સીજી રોડ અને એસજી હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. જો કે આ વખતે અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે, શહેરના પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો આખો સીજી રોડ 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રાખવાનો તંત્રએ નિર્ણય લીધો છે. જ્યારે રાતે 8 વાગ્યાથી એસજી હાઇવે પર પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી એસજી હાઇવે તેમજ સર્વિસ રોડ પર વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. નોંધનિય છે કે આ બન્ને માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. જો વાહનો પાર્ક કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પણ સર્જાવાની ભીતિ રહે છે તેથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ ઉપરાંત અમદાવાદ શહેરના નેહરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન સર્કલ સુધી પણ ખાનગી બસ પાર્ક કરી શકાશે નહીં.વર્ષ 2023ને આવકારવા માટે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર સિંધુ ભવન રોડ તેમજ સીજી રોડ પર એકઠા થશે. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતી હોય એને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ અને વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


દુનિયામાં સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી


વિશ્વમાં નવા વર્ષ (2023) ની પ્રથમ ઉજવણી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઇ હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. આ દરમિયાન, ઓકલેન્ડના જાણીતા સ્કાઇ ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો. દરમિયાન સ્કાઇટાવર પરથી આતશબાજી કરવામાં આવી હતી.


ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક મુખ્ય શહેર છે. વાસ્તવમાં નવા દિવસની શરૂઆત વિશ્વના પૂર્વીય ભાગથી થાય છે. તેથી જ અહીં દિવસ વહેલો શરૂ થાય છે. અહીં ગયા વર્ષે 2022માં પણ કોરોના સમયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.


વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં હોવાના કારણે નવા વર્ષની ઉજવણી પ્રથમ ઓકલેન્ડમાં કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેણે ભારતના લગભગ 7.30 કલાક પહેલા નવા વર્ષની ઉજવણી કરી છે. ભારતમાં હજુ સાંજના 4:30 વાગ્યા છે, ત્યારે જ ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ છે.


સ્કાઇટાવર શા માટે પ્રખ્યાત છે?


ઓકલેન્ડમાં આવેલ સ્કાઇ ટાવર શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક છે. આ ટાવર 25 વર્ષ જૂનો છે. તેની ઊંચાઈ 328 મીટર ઊંચી છે. નવા વર્ષ 2023ની ઉજવણી દરમિયાન શાનદાર આતશબાજી કરવામાં આવી હતી, રાત્રે આતશબાજીના કારણે આખું આકાશ ઝળહળવા લાગ્યું હતું, જે માઈલ દૂરથી જોઈ શકાય છે. નવા વર્ષની ઉજવણી નિહાળવા સ્કાઇ ટાવરની આસપાસ હજારો લોકો હાજર રહ્યા હતા. નવા વર્ષ 2023 માટે ટાવરને વાદળી અને જાંબલી લાઇટથી શણગારવામાં આવ્યો હતો. આ જગ્યા દરિયાની સપાટીથી 193 મીટર ઉંચી છે.