બનાસકાંઠા: બનાસકાંઠા  જિલ્લાના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. SMCના  પીઆઇ એ.વી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે.  જસરા ગામમાં  સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.વી પટેલના માતા-પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. દંપતી ઘરમાં સુતુ હતુ તે દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યો છે.  પોલીસે મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ માટે  મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. 

અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી

અજાણ્યા શખ્સોએ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા છે. ખેતરમાં રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી છે. આગથળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.  દંપતીની હત્યાને લઈને લોકોમાં ભારે રોષ છે.

લૂંટ બાદ દંપતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

લાખણીના જસરા ગામે થયેલી SMC  PI ના માતા પિતાની હત્યામાં  જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  હત્યારા દંપતીની હત્યા કરી મહિલાના દાગીના કાઢી ગયા હતા. પગ કાપી પગના કડલા તો કાનમાંથી બુટ્ટી તેમજ ગળામાંથી દાગીનાની લૂંટ કરી હતી.  લૂંટ કર્યા બાદ દંપતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે,  મોડી રાત્રે થયેલી આ હત્યાની ઘટનાને લઇ  બનાસકાંઠાની એલસીબી એસોજી એસપી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.  સમગ્ર મામલાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.