Rain: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે, દક્ષિણમાંથી વિધિવત રીતે ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15થી વધુ જિલ્લામાં વરસાદી ખાબક્યો છે. આજે સવારથી પણ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરના પાલીતાણામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છો, તો વળી છોટા ઉદેપુરના સંખેડામાં પાંચ ઇંચ વરસાદથી જનજીવન ઠપ્પ થયુ છે. 

રાજ્યમાં પુરજોશમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, વાવાઝોડુ, આંધી વંટોળ સાથે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે એન્ટ્રી મારી લીધી છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે. સવારથી જ ભાવનગર જિલ્લાના 3 તાલુકામાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે, પાલીતાણા, મહુવા, વલ્લભીપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ વાત છે કે, પાલીતાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા જનજીવન પર અસર પહોંચી છે. ભારે વરસાદથી નવાગઢ, નાની શાકમાર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. જિલ્લામાં અન્ય ગામોમાં જેવા કે, નવાગામ, લોલીયા, ખેતા ટીંબી, કાળા તળાવ ગામ, દરેડ, વાવડી, પીપળી, કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો છે. ભાવનગરની મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. 

આ ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, આજે સવારથી જ છોટાઉદેપુરના સંખેડામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદથી શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે, સંખેડાના માર્ગો પર પાણીની લહેરો જોવા મળી રહી છે. હાંડોદ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. 

16 જૂનની આગાહી - સોમવારે, 16 જૂનના રોજ પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.

17 જૂનની આગાહી - 17 જૂનના રોજ ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ આગાહીઓને પગલે, રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, તંત્ર દ્વારા પણ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.