Rahul Gandhi Gujarat Visit:કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે  છે. આ દરમિયાન ગંભીરા બ્રીજની દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવેલ પરિવાર જ્યારે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યો તો તેમને રોકવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ  લગાવ્યા છે. આ મામલે પોલીસ સાથે કોંગ્રેસ નેતાની રકઝક પણ થઇ હતી. મનિષ દોષીએ જણાવ્યું કે, ગંભીરા બ્રિજના પીડિત પરિવારોને રાહુલથી દુર રાખવાનું આ એક સરકારનું  ષડયંત્ર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારને  ખરાબ અનુભવ થયો છે.

રાહુલ ગાંધીને મળવા આવેલા પીડિત પરિવારને બહાર કઢાયા હતા. જોકે  સુરક્ષા કાર્ડ ન હોવાથી પીડિત પરિવારને પોલીસે પ્રવેશ ન આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર ઘટનામાં મનિષ દોશીએ આ મામલે પોલીસ સાથે સંવાદ કર્યો હતો અને આ સમય દરમિયાન પોલીસ અને કોંગ્રેસ નેતા વચ્ચે રકઝક થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ગંભીર બ્રિજ દુર્ઘટના 10 પીડિત પરિવાર રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યો હતો. જોકે  પોલીસ અને કોંગ્રેસ નેતાની લાંબી રકઝક બાદ  10 પીડિત પરિવારોને પ્રવેશ માટે મંજૂરી અપાઇ  હતી.

ઉલ્લેખનિય છે કે, 9 જુલાઇએ  આણંદ અને વડોદરાને જોડતો એક મહત્વનો ગંભીરા બ્રિજ  ધરાશાયી થયો હતો. આ દુર્ધટનામાં 20થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.  આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં.આ બ્રીજ 45 વર્ષ જુનો હતો. બ્રીજ જર્જરિત થઇ ગયો હોવા છતાં તે ન તો બંધ કરાયો કે ન તો સમારકામ પર ધ્યાન અપાયું. જેના પરિણામે 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ઘટના બાદ સિસ્ટમ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કેમ બ્રીજની નબળી હાલત પર ગંભીરતાથી ધ્યાન અપાયું? સમય સમય પર બ્રિજની ફિટનેસ કેમ ચકાસવામાં આવતી નથી? આ વેધક સવાલો હર હંમેશાની જેમ આજે પણ  નિરૂત્તર છે. જેને લઇને વિપક્ષ પણ સરકારને સતત ઘેરી રહી છે. આ જ મામલે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પીડિત પરિવાર મળવા આવ્યો હતો. જેને રોકવામાં આવતા  કોંગ્રેસ નેતાઓએ પોલીસ સામે વિરોધ કર્યો હતો અને આખરે પીડિત પરિવારને પ્રવેશ મળ્યો હતો.