Porbandar:પોરબંદરઃ કેસર કેરીના સ્વાદના શોખીનો માટે સારા સમાચાર આવ્યા છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત ભર શિયાળે કેસર કેરીના બોક્સ વેચવા માટે આવ્યો હતો.




કેરીના શોખીનોને ભર શિયાળે પણ કેસર કેરીનો સ્વાદ ચાખવા મળશે. આ સમાચાર જાણીને તમને આશ્ચર્ય થશે પણ વાત એકદમ સત્ય છે. વાસ્તવમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. સામાન્ય રીતે કેરી તો ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. પણ વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાના બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા ખેડૂતથી લઈ વેપારીઓ સહિત સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું હતું


પોરબંદરના આદિત્યાણાના જાબુંવતી ગુફા નજીક આવેલા નાગજણભાઈ બોખીરીયાના આંબાના બગીચામાં પાક આવવાનું શરૂ થયું છે. ખેડૂતને ખેતરમાં 500 કેસર કેરીના આંબા છે. સોમવારના રોજ ખેડૂત કેસર કેરીના બે બોક્સ લઈ યાર્ડમાં વહેંચવા પહોંચ્યા હતાં. જ્યાં ફ્રુટના વેપારીએ ગુલાબના પુષ્પ વડે સ્વાગત કર્યું અને ખેડૂતને પેંડા ખવડાવી મો- મીઠું કરાવ્યું હતું. ખેડૂતનું કેરીનું એક બોક્સ 7000 રૂપિયામાં વહેંચાયું હતું.


માવઠાના કારણે ખેડૂતોને નુકસાન 


રાજ્યમાં રવિવારે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઘઉં,ચણા, કપાસ, જીરૂ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન થયું છે.  કપાસ, એરંડા, મકાઈ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શેરડી, ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે. 


જ્યારે ઉત્તર ગુજરાતમાં પપૈયાનો પાક ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. સાથોસાથ એરંડા અને વરિયાળીના પાકનો પણ સોથ વળી ગયો છે. જીરૂ, ઈસબગુલ જેવા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોનો દાવો છે કે મોંઘાદાટ ભાવે બિયારણ ખરીદી પાકનું વાવેતર કર્યું હતું. કેટલોક પાક તો તૈયાર થવાને આરે પહોંચ્યો હતો ત્યાં જ કમોસમી વરસાદ વરસતા આ પાક હવે નિષ્ફળ થવાની ભીતિ છે. બનાસકાંઠાના પાલનપુર પાસેના મલાણા ગામમાં એરંડાનો પાક તૈયાર હતો. સારો પાક હોવાથી ખેડૂતો પણ રાજી હતા  ત્યાં તો કમોસમી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે.