પોરબંદરમાં ભરશિયાળે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા વરસ્યા હતા. પોરબંદરના સુદામાચોક, એરપોર્ટ, કમળાબાગ, છાયા સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. તે સિવાય બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમીરગઢ, દાંતા, અંબાજીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાલનપુર, વડગામમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાડ થિજાવતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. આગામી ત્રણ કલાક કચ્છમાં છૂટ્ટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ભરશિયાળે વાતાવરણમાં બદલાવ આવશે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળો ઘેરાવવાની સાથોસાથ કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યકત કરાઈ છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 24 કલાક્માં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી તથા કચ્છ પંથકમાં હળવા કમોસમી વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીનો દૌર હજુ સુધી શરૂ થયો જ નથી. સામાન્ય રીતે નવેમ્બરના અંત કે ડિસેમ્બરના પ્રારંભે જ હાડ થિજાવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે.
હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. 31 ડિસેમ્બરે સામાન્ય વરસાદની શકયતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ હતી. 31 ડિસેમ્બરના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠામાં સામાન્ય કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. તે સિવાય 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી આગાહી કરાઈ હતી.