મૃતક મહિલાઓ પૈકી બે મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે એક લાપતા છે. થાપાવાળી ખોડિયારના ધરા નજીક રઘુવંશી પરિવાર ધૂન કરી રહ્યો હતો ત્યારે બરડામાંથી અચાનક પાણી ધસી આવ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં રીના જીતેન્દ્રભાઈ બારાઈ, શિવાની જીતેન્દ્રભાઈ બારાઈ અને ધારાબેન રાજેશભાઈ કોટેચા પાણીના પ્રવાહમાં તણાયાં હતા. પાણીમાં તણાયેલી ત્રણ પૈકીની બે મહિલાનાં મૃતદેહો મળી આવ્યા છે જ્યારે મૃતક રીના બારાઈની 12 વર્ષની દિકરી શિવાનીનો પતો મળ્યો નથી.
ડુંગર પરથી એક શીલા ખસી જતાં અચાનક પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. મહિલાઓ લાપતાં બની હોવાની જાણ તંત્રને થતાં ફાયર વિભાગની ટીમ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને શોધખોળ હાથ ધરી હતી. જોકે કલાકો બાદ હીનાબેન જીતેન્દ્રભાઈ બારાઈ અને ધારાબેન રાજેશભાઈ કોટેચાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ હીનાબેન જીતેન્દ્રભાઈની પુત્રી શિવાંગી હજી લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.
થાપાવાળી ખોડિયાર મંદિરના ધરામાં એક ધોધ પણ વહે છે. મહિલાઓ ધોધના પાણીમાં તણાઈ હોવાના કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની શોધખોળના અંતે બે મહિલાઓની લાશ મળી આવી હતી.