Gujarat : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હાલમાં દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.
AAP અને BTP વચ્ચે થશે ગઠબંધન?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે.
શું છે BTPની પ્રતિક્રિયા?
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં BTP નું વર્ચસ્વ છે.BTPના બે ધારાસભ્યો છે, મહેશ વસાવા અને છોટુ વસાવા BTPના ધારાસભ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ BTPના બે ધારાસભ્યો છે. જો કે BTPએ હાલ AAP તરફથી મળેલા પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કેટલી શક્યતા?
2015માં દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. જો કે કેજરીવાલના રાજીનામાં બાદ એ સરકાર પડી ભાંગી અને સાથે AAP અને કોંગ્રેસનું ગઠબંધન પણ તૂટી ગયું. દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પરથી એ પણ પ્રશ્ન થાય કે ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કેટલી શક્યતા? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપને હરાવવા ભાજપ વિરોધી તમે પક્ષો સાથે આવી ગઠબંધન ખાતે તેવી પણ શકયતા છે.