રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ખેંચાઈ વર્તાઈ રહી છે. હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાખી રહ્યા છે આશા. જો વરસાદ ખેંચાશે તો ગુજરાતમાં ઉભુ થઈ શકે છે ગંભીર જળસંકટ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં આ વખતે 45.40 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નર્મદા ડેમ 20 મીટર જેટલો ખાલી છે. જો આ સપ્તાહમાં વરસાદ નહી વરસે તો આગામી દિવસોમાં સિંચાઇના પાણી પર વધુ કાપ આવી શકે તેવી પૂરેપુરી સંભાવના છે.


ગુજરાતમાં વરસાદ ખેચાયો છે જેના કારણે ખેતીને ભારે નુકશાન પહોંચે તેવી  ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે.ટૌટે વાવાઝોડાના નુકશાનની હજુ કળ વળી નથી ત્યા ફરી એક વાર ખેડૂતોને કુદરતી આફતનો શિકાર બનવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.હાલ નર્મદા ડેમમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમી વધારો નોંધાઇ રહ્યો છે કેમકે ઉપરવાસમાં ય વધુ વરસાદ વરસ્યો નથી જેથી નર્મદામાં પાણીની આવક ઓછી રહી છે.


ગત વર્ષ 28મી ઓગસ્ટે નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.68 મિટર પાર કરી ગઇ હતી જેના કારણે ડેમના 23 દરવાજા ખોલવા પડયા હતાં.પણ આ વર્ષે વરસાદની સ્થિતિ કઇંક ઓર છે. નર્મદા જિલ્લામાં જ અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ માત્ર 487 મીમી વરસ્યો છે. અત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 12 હજાર 350 ક્યૂસેક થઇ રહી છે જયારે 12 હજાર કયૂસેક પાણીની જાવક છે.ટૂંકમાં 12 કલાકમાં માત્ર 7 સેમી પાણીની સપાટીમાં વધારો થયો છે જે નહીવત ગણાય.


નર્મદા ડેમમાં અત્યારે 45.50 ટકા પાણીનો જથ્થો ઉપલ્બધ છે. આ વખતે પાણી ઓછુ હોવાથી ઓગસ્ટના અંત સુધી જ સિંચાઇનુ પાણી મળશે. સપ્ટેમ્બરથી સિંચાઇના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનુ પાણી આરક્ષિત રાખવા આદેશ કર્યો છે બાકીનુ પાણી સિંચાઇ માટે આપવા સૂચના આપી છે.


નર્મદા ડેમમાંથી ઉદ્યોગોને 125 કયૂસેક પાણી અપાય છે. હાલ તો વરસાદની અછતને કારણે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ પર જળસંકટ મંડાયુ છે. હજુ એકાદ સપ્તાહ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને સિચાઇનુ પાણી મેળવવુ મુશ્કેલ પડશે. અત્યારે ખેડૂતોની નજર આભ પર મંડાઇ છે જયારે  દુષ્કાળના ડાકલા વાગતાં રાજ્ય સરકારની માથે પણ ચિંતાના વાદળો મંડાયા છે.