Gujarat Rain: વલસાડ જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થવાના પણ બનાવ બન્યા છે. ત્યારે ધરમપુર શહેરના રામવાડી વિસ્તારમાં પણ એક નીલગીરીનું તોતિંગ વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું.આ વૃક્ષ નજીકથી પસાર થતી વીજ લાઈન પર પડતાં વીજ થાંભલાઓ પણ પડી ગયા હતા. પરિણામે વીજ પુરવઠો પણ ખોવાયો હતો.આસપાસના 400થી વધુ ઘરો અને નજીકની સરકારી કચેરીઓમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો.બનાવની જાણ થતા જ વીજ  વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ કર્યા હતા. 


CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર


રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે. તો કચ્છના અંજારમાં એક ટીમ અને એક ટીમ નવસારીમાં તૈનાત રહેશે. એનડીઆરએફના અલગ અલગ અધિકારીઓના નંબર માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.


 



તો બીદી તરફ રાજ્યમાં પડેલ ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર પહોંચ્યા છે અને સમીક્ષા બેઠક કરી રહ્યા છે. મુખ્ય સચિવ રાજકુમાર,રેવન્યુ અધિક મુખ્ય સચિવ મનોજ દાસ,રાહત કમિશનર સહિતના અધિકારીઓ હાજર છે. જૂનાગઢ અને જામનગર જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરશે. હવામાન વિભાગના અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. આગામી કલાકોમાં પણ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાથી એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કચ્છ,જામનગર,જૂનાગઢ અને નવસારી ખાતે ડિપ્લોય કરવામા આવી છે. એસડીઆરએફની પણ બે ટીમોને રવાના કરવામાં આવી છે. જુનાગઢ અને જામનગર એક એક ટીમ રવાના થઈ છે.


જૂનાગઢના આ તાલુકામાં આભ ફાટ્યું


જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં છેલ્લા 12 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.