Gujarat Congress: લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કૉંગ્રેસમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. AICC દ્વારા ગુજરાત કૉંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે જ 10 જિલ્લા કૉંગ્રેસ પ્રમુખના નામની પણ જાહેરાત કરી છે. ગુજરાત કૉંગ્રેસ ઇલેક્શન કમિટીમાં 40 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ટીમ શક્તિસિંહ ગોહિલમાં ગુજરાત કૉંગ્રેસના 40 દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ તમામ તૈયારીઓ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. 17 સભ્યોનો પોલિટિકલ અફેર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટીમાં દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન
ઈલેક્શન કમિટીમાં નેતા વિપક્ષ, ધારાસભ્યો, પૂર્વ ધારસભ્યો, પૂર્વ પ્રમખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, લાલજી દેસાઈ, સીજે ચાવડા અને અનંત પટેલના નામનો સમાવેશ થાય છે.
રાજકોટના કૉંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુને પણ આ કમિટીમાં સ્થાન મળ્યું છે. આ સિવાય વિક્રમ માડમ, વિરજીભાઈ ઠુમ્મર, પૂંજાભાઈ વંજ, પરેશ ધાનણી, અમરિશ ડેર સહિતના નેતાઓને આ કમિટીમાં સમાવેશ કરાયો છે.
10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાઈ
ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત અને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે. ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી અને આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરાઇ છે. તો ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.