રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી સક્રિય હોવાથી ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે જ રવિવારે સવારે વાતાવરણમાં પલટો આવતાઆકાશમાં વાદળ ઘેરાયા હતા અને ધૂળીયુ વાતાવરણ સર્જાયું હતુ. જેના લીધે મોટાભાગના શહેરનું તાપમાન ઘટ્યુ હતુ.


જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. આ વખતે રાજ્યમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.


હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ગયા વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48% વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.


તો હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાત્રી દરમિયાન સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સુરતના વેસુ, અલથાન, વીઆઈપી, વરાછા રોડ સહિતના વિસ્તારોમાં રાત્રે વરસાદ વરસ્યો. તો નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જો કે તે પહેલા જ સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


તો આ તરફ વલસાડ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વલસાડ શહેરના તિથલ રોડ અને હાલર રોડ પર હળવો વરસાદ પડ્યો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.


દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાટણ, સિદ્ધપુર, રાધનપુર, સરસ્વતી સહિતના તાલુકાઓમાં વાતાવરણ બન્યું વાદળછાયું છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.