gujarat pre monsoon rain: રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. ગુજરાતના અમરેલી, નવસારી અને સુરત જિલ્લામાં પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યાં અમરેલી અને નવસારીમાં વરસાદના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ, સુરતના બારડોલીમાં સામાન્ય વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા નગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

Continues below advertisement

અમરેલી અને નવસારીમાં ગરમીથી રાહત

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા અને તેની આસપાસ આવેલા જાબાળ, આંબરડી, અભરામપુરા, કૃષ્ણગઢ, શાંતિનગર અને મિતિયાળા જેવા ગામોમાં વરસાદ ખાબક્યો છે.

Continues below advertisement

બીજી તરફ, નવસારીમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરના જૂના થાણા, ટાવર વિસ્તાર, દુધિયા તળાવ, મોગલવાડી અને છાપરા રોડ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા અને ઈટાળવા, જલાલપોર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. શહેરની સાથે-સાથે આસપાસના ગામો જેવા કે ખડસુપા, વેસ્મા, આંતલિયા, ઉડાચ અને વચ્ચરવાડમાં પણ વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બારડોલીમાં પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ

સુરત જિલ્લાની વાત કરીએ તો, બારડોલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેમ કે બાબેન, અફવા, અસ્તાન અને ઈસરોલીમાં પ્રી-મોનસૂન વરસાદ પડ્યો. પરંતુ અહીં નવાઈની વાત એ છે કે, સામાન્ય વરસાદમાં જ બારડોલીના 3 સ્થળોએ પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યોએ સ્થાનિક પ્રશાસનની પ્રી-મોનસૂન કામગીરીની સાચી હકીકત સામે લાવી દીધી છે.

ખાસ કરીને બારડોલીના વોર્ડ નંબર 7 માં આવેલા શામળીયા મોરા, કહાન ફળિયા અને આશાપુરી મંદિર પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. આટલા સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી? આગામી 3 કલાકમાં ગુજરાતના આ 10 જિલ્લામાં પડશે વરસાદ

સ્થાનિકોએ કાઉન્સિલરોનો ઉધડો લીધો

વોર્ડ નંબર 7 માં પાણી ભરાતા ત્રસ્ત થયેલા સ્થાનિકોએ પોતાના નગરસેવકો (રાજેશ પટેલ, અંકિતા પટેલ, કામિની જોશી અને વિપુલ મૈસૂર્યા) ને બોલાવીને ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોના ભારે રોષને જોતા આ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિ થાળે પાડવા માટે તાત્કાલિક JCB મશીન બોલાવવામાં આવ્યું અને ખાડીના ઢાંકણા ખોલીને ભરાયેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ