IMD weather update June 21: જો તમે 21 જૂનના રોજ ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. એક તરફ દેશના ઘણા ભાગોમાં લોકો કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે (IMD) દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આગામી 13 કલાક હવામાન માટે ખૂબ જ ભારે રહેવાના છે, જેમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) નો ખતરો હોવાથી મુસાફરોને સતર્ક રહેવા અને હવામાનની લેટેસ્ટ અપડેટ ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ
દિલ્હી: 21 જૂને રાજધાની દિલ્હીમાં કાળાડિબાંગ વાદળો સાથે ભારે વરસાદની આગાહી છે. અહીં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે તાપમાન 39 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશ: યુપીના મેરઠ, નોઈડા (ગૌતમ બુદ્ધ નગર), આગ્રા, મથુરા, બુલંદશહેર, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી જેવા જિલ્લાઓમાં પણ 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડવાનું એલર્ટ છે.
બિહાર અને ઝારખંડમાં કેવું રહેશે વાતાવરણ?
બિહાર: પટના, ગયા, દરભંગા, પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ અને ભાગલપુર સહિતના જિલ્લાઓમાં 21 થી 22 જૂન દરમિયાન 60 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની શક્યતા છે.
ઝારખંડ: પાડોશી રાજ્ય ઝારખંડના રાંચી, ધનબાદ, જમશેદપુર, હજારીબાગ અને પલામુમાં 21 થી 23 જૂન દરમિયાન 70 થી 80 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાવાની અને ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાત, રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રની અપડેટ
ગુજરાતમાં પણ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. રાજસ્થાનના ચુરુ, સીકર, ઝુનઝુનુ, જોધપુર અને અજમેરમાં તેમજ મધ્યપ્રદેશના નીમચ, વિદિશા, બાલાઘાટ, ખંડવા અને શિવપુરી જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની ચેતવણી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના છે.
બંગાળથી લઈને દક્ષિણ ભારત સુધી એલર્ટ
પશ્ચિમ બંગાળ: જલપાઇગુડી, કાલિમપોંગ, બાંકુરા, મુર્શિદાબાદ અને હુગલી વિસ્તારમાં 21 થી 23 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. કોલકાતામાં તાપમાન 35 થી 28 ડિગ્રી વચ્ચે રહેશે.
દક્ષિણ ભારત: કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે. IMD એ લોકોને ખુલ્લી જગ્યાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની ખાસ અપીલ કરી છે.
આ પણ વાંચોઃ અમરેલીમાં અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન, લીલીયા અને લાઠી રોડ પર પાણી પાણી!
પહાડી રાજ્યોમાં મુસાફરી કરતા પહેલા ખાસ ચેતવણી
જો તમે પહાડી વિસ્તારોમાં ફરવા ગયા છો અથવા જવાનો પ્લાન છે, તો થોડું સાચવજો. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન પડકારજનક રહી શકે છે.
જમ્મુ, પૂંચ, અનંતનાગ અને કુપવાડામાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
હિમાચલ પ્રદેશના કુલ્લુ, કાંગડા, શિમલા અને ઉનામાં 75 થી 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવી શકે છે.
ઉત્તરાખંડના પિથોરાગઢ, ચમોલી, નૈનીતાલ, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં પણ ભારે વરસાદની ચેતવણી છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે પહાડી વિસ્તારોમાં અચાનક હવામાન બદલાવવાથી મુશ્કેલીઓ વધી શકે છે, તેથી મુસાફરી કરતા પહેલા અગાઉથી જ હવામાનની જાણકારી મેળવી લેવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
