Fafda Jalebi Price: દશેરાના એક દિવસ પહેલા જ ફાફડા જલેબી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં દુકાનમાં ફાફડા જલેબી માટે ખાસ પંડાલ બાંધવામાં આવ્યાં છે. કોર્પોરેટ ઓર્ડર અને સોસાયટીઓનાં ઓર્ડરને પહોચી વળવા માટે ફાફડા તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો વધારો થયો છે. ફાફડા રૂપિયા 500થી 650 પ્રતિકીલો અને જલેબી 800થી એક હજાર રૂપિયા કિલો સુધીમાં વેચાણ થઈ રહ્યા છે.


રાજકોટમાં પણ દશેરાને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. મીઠાઈ અને ફરસાણનાં વેચાણ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે ફરસાણ અને મીઠાઈમાં મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. રાજકોટમાં આ વર્ષે મીઠાઈમાં 20 થી 40 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. દૂધ, ઘી, તેલ, ચણાનાં લોટમાં થયેલા ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં 22 કરોડની મીઠાઈ વેચાવાનો અંદાજ છે. સૌથી વધુ ધારી, જલેબી સાટા અને ગાંઠિયાનું વેચાણ થશે. આ દશેરાએ બખલવાનો ભાવ 1200થી 1400 રૂપિયા, કાજુની જલેબીનો ભાવ 1000થી 1200 રૂપિયા તો સાટાના 400 અને જલેબીનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો આસપાસ હશે.


એક બાજુ ગાંઠીયના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ગાંઠીયા સાથે ખવાતા મરચાનાં ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં મરચાના ભાવ 80 રૂ. પ્રતિ કિલો પહોચ્યાં છે. સામાન્ય દિવસોમાં હોલસેલ માર્કેટમાં 30 રૂપિયા પ્રતિ કિલો વેચાતા મરચાં 80 રૃપિયા સુધી પહોંચ્યા છે. રિટેલ મર્કેટમાં મરચાનો ભાવ રૂ.100 પ્રતિ કિલો આસપાસ છે. દશેરાના તહેવારમાં ફાફડા સાથે મરચાની માંગ હોવાથી મોટા પ્રમાણમાં મરચાંનું વેચાણ વધ્યું છે.