કચ્છના લખપત સ્થિત ગુરુદ્વારા ખાતે કચ્છમાં વસતા શિખ સમુદાયના લોકોને પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કચ્છી ભાષામાં કચ્છીઓના હાલચાલ પૂછ્યા હતા. રણોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ રણોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે જ કચ્છ આવવાનું થશે ત્યારે ચોક્કસથી તમામને મળવાનું વચન આપ્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું કે મને 2001 બાદ લખપત સાહિબ ગુરૂદ્વારાની સેવા કરવાનો અસર મળ્યો હતો. ભૂકંપમાં આ ગુરૂદ્વારાની દીવાલને માઠી અસર પહોંચી હતી ત્યારે દેશના કારીગરો દ્વારા પ્રાચીન શૈલીથી દિવાલ પર ગુરૂવાણી અંકિત કરવામાં આવી હતી. ગુજરાતથી દિલ્હી આવ્યા પછી પણ મને નિરંતર મને મારા ગુરૂઓની સેવા કરવાનો અવસર મળ્યો છે. એક સમયે આ સ્થાન બીજા દેશોમાં જવા માટે વ્યાપાર માટે એક મહત્વનું કેન્દ્ર હતું. પ્રાચીન લેખન શૈલીથી અહીની દિવાલો પર ગુરુવાણી અંકિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને ત્યારે યુનેસ્કોએ સન્માનિત કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા ગુરુઓનું યોગદાન ફક્ત સમાજ અને આધ્યાત્મ સુધી જ સિમિત નથી પરંતુ આપણા રાષ્ટ્ર, રાષ્ટ્રનું ચિંતન અને રાષ્ટ્રની અસ્થાન અને અખંડિતતા જો આજે સુરક્ષિત છે તો તેના મૂળમાં શીખ ગુરુઓની મહાન તપસ્યા છે. ગુરુ નાનકદેવજીનો સંદેશ આખી દુનિયા સુધી નવી ઉર્જા સાથે પહોંચી ગયો છે આ માટે તમામ સ્તર પર પ્રયાસો કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે ખાવડામાં રિન્યુએબલ પાર્કનું નિર્માણ ઝડપથી થઈ રહ્યુ છે. પહેલાં ભુજથી ધોળાવીરા જવા માટે ખૂબ ફરવું પડતું હતું પરંતુ હવે વચ્ચેથી રસ્તો નીકળી રહ્યો છે. હવે આ તમામ સ્થળો પર આવનજાવન સહેલું બનશે.