અબડાસાઃ કચ્છમાં અબડાસા તાલુકાના નૂધાતડમાં 28 વર્ષીય પરણીતાની યુવકે કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે યુવતીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. આ હત્યાનો બનાવ ગત શુક્રવારે બપોરે બન્યો હોવાનું સામે આવ્યું છે. 


શુક્રવારે સાંજે ભાનુશાલી સમાજના સ્મશાનની બાજુમાંથી 28 વર્ષીય પરણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કોઠારા પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં તેમની હત્યા તેમના જ કૌટુંબિક યુવક દ્વારા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસ તપાસમાં યુવતીની હત્યા કર્યા પછી પોતે પણ વાડીએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસને હત્યારો વાડીએ  બેભાન હાલતમાં મળી આવ્યો હતો. 


હત્યારા યુવકને પોલીસે ભૂજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યારે મૃતક પરણીતાની લાશ પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની ચર્ચા છે. આ હત્યા કેસમાં પરણીતાના પતિએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવી શકે છે. 


પરણીતાની હત્યા પછી યુવકે વાડીમાં જીવતો વીજ વાયર પકડીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં તેનો હાથ દાઝી ગયો હતો. આ પછી તેણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.