અમદાવાદ:  કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ મુલાકાતે તેમના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યા છે. પીએમ મોદીના ગુજરાત આગમન બાદ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી 16 સપ્ટેમ્બરે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. 


પ્રધાનમંત્રી મોદી  17  સપ્ટેમ્બરની સવાર સુધી ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે રહેશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતને અનેક ભેટ પણ આપશે.






16 સપ્ટેબરે સવારે તેઓ ફોર્થ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવશે, ત્યારબાદ ફરી 12 વાગ્યે ગાંધીનગર રાજભવનમાં પરત ફરશે. લંચ બાદ તેઓ લગભગ 1:30ની આસપાસ ગાંઘીનગર સેક્ટર 1માં તૈયારા થયેલા મેટ્રો સ્ટેશનનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં પ્રવાસ પણ કરી શકે છે. બાદ તેઓ અમદાવાદ જશે અને અહી GMDC ગ્રાઉન્ડમાં યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. 


બાદમાં તેઓ ગાંધીનગર પરત પરત ફરશે અને ડિનર રાત્રિ રોકાણ બાદ સવારે અમદાવાદથી ભુવનેશ્વર જવા રવાના થશે. ઉલ્લેખનિય છે કે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસની શુભકામના લઇને તેઓ અમદાવાદથી રવાના થશે.  


સોમનાથ ટ્રસ્ટની બેઠક


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથ ટ્રસ્ટની બેઠકથી કરશે. પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની 123મી બેઠક યોજાશે. આ બેઠક રાજ્યપાલના નિવાસ સ્થાન રાજભવનમાં સાંજે યોજાશે. ટ્રસ્ટના અન્ય સભ્યોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને અન્યોનો સમાવેશ થાય છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ, મહાદેવ મહાપૂજા, ધ્વજારોહણ અને સાંજે દિવ્ય ભંડારનું આયોજન કરવામાં આવશે.