નવી દિલ્હી: ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે.


ભૂપેંદ્ર પટેલના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ આજે થઇ ગયો. સૌ કોઈના મનમાં પ્રશ્ન હતા કે કોણે મંત્રી બનશે,  જેનો જવાબ આખરે મળી ગયો છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું. આ પ્રધાનમંડળમાં 100 ટકા નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે, એટલે કે રૂપાણી સરકારના અકે પણ પ્રધાનને આ નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.



પ્રધાનમંત્રી  મોદીએ આ નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ પાઠવી છે.  પીએમ મોદીએ ટ્વીટ કરીને નવી ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. ટ્વીટમાં લખ્યું કે 'ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!'



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પણ લખ્યું કે, 'ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે @narendramodi જી અને @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.'


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 
 
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ,  પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. 









 


 


જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.  


 


આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.