લેખક કિશોર મકવાણા દ્વારા  સંપાદિત-લેખિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પરના ચાર પુસ્તોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંબેડકર જયંતીના દિવસે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ-પ્રવક્તા અને લેખક કિશોર મકવાણા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના વિવિધ પાસાંનું સર્વાંગીય લેખન – સંપાદન આ ચાર ભાગમાં કર્યું છે જેમાં  “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન”  છે. 


કિશોર મકવાણાની ડો. આંબેડકર વિચાર દર્શનના ગહન અભ્યાસુ તરીકેની ઓળખથી ગુજરાત હવે અજાણ નથી.ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના એક-એક પાસાં વિશે તલસ્પર્શી અભ્યાસ કરીને કિશોર મકવાણાએ ઘણી નવી વાતો શોધી આ પુસ્તકોમાં સમાવી છે.



રાષ્ટ્રનિર્માણમાં  ડો. બાબાસાહેબનું યોગદાન ઐતિહાસિક છે. ચાર પુસ્તકો ડો. આંબેડકરના મહાન જીવન-કાર્યને અભિવ્યક્ત કરે છે. ડો. આંબેડકરે સ્વતંત્રતા પહેલા આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારતનો પાયો રાખ્યો હતો. એમના સપનાનું ભારત એક એવું ભારત હતું જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, વિજ્ઞાન- ટેક્નોલોજીની રીતે ઉન્નત હોય, કૃષિ ઉત્પાદન વધે અને ઝડપી ઔદ્યોગિકીકરણ થાય, ઉર્જા નીતિ અને જળ નીતિનો રોડમેપ હોય, ભારતની વિદેશનીતિ ભારતની રક્ષા કરે તેવી હોય  અને કોઇપણ જાતના ભેદભાવ વિના સૌને સમાન અવસર મળે એ એમનું સપનું હતું.



વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પિત કરવામાં આવેલા આ ચાર પુસ્તકો ડો. આંબેડકરને લઇને ચાલતી અનેક ભ્રમણાઓને દૂર તો કરે જ છે સાથે સાથે તેમને એક  રાષ્ટ્રનિર્માતા તરીકે રજુ કરતો અનન્ય દસ્તાવેજ પણ છે.