ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી રોજના 1300થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 113,662 પર પહોંચી છે. રાજ્યમાં મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16439 એક્ટિવ કેસ છે, જ્યારે 94010 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 16352 લોકો સ્ટેબલ છે.
કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓ પહેલાની જેમ કામ નથી કરી શકતા. થોડુંક કામ કરે તો થાક લાગે, શ્વાસ ચઢે, સ્નાયુમાં દુખાવો થાય તેવી ફરિયાદો વધી છે. ડોક્ટરોના અભ્યાસમાં એવી વાત સામે આવી કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં હૃદય, કિડની પર પણ અસર થઈ છે.
ઉપરાંત ફેફસા પર સૌથી વધારે અસર થઈ રહી છે અને ફેફસા નબળા હોય તેવા દર્દીને કસરત જરૂરી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીમાં ફેફસામાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આવા દર્દીઓની સારવાર માટે પોસ્ટ કોવિજ પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યના પાંચ ફિઝિયોથેરાપી કોલેજોમાં 57 સરકારી ફિઝિયોથેરાપિસ્ટને તાલીમ આપવામાં આવી છે. બીજા તબક્કામાં ખાનગી ફિઝિયોથેરાપિસ્ટને તાલીમ અપાશે.
ન્યૂમોનિયા થયો હોય તેમને ફાઇબ્રોસિસ થવાની શક્યતા વધારે રહે છે. દવાથી તે મટી શકે છે. જે દર્દીના ફેફસા પહેલાની જેમ કાર્યરત થાય તે માટે પલ્મોનરી રિહેબિલિટેશન શ્રેષ્ઠ છે.