વડતાલ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ લોકોમાં આક્રોશ યથાવત છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઇને રાજકોટમાં રઘુવંશી સમાજનો આક્રોશ યથાવત છે. ભૂપેન્દ્ર રોડના સ્વામિનારાયણ મંદિરે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં રઘુવંશી સમાજે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર બહાર જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કર્યું હતું. રઘુવંશી સમાજના યુવાઓના વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ સતર્ક થઇ હતી. મંજૂરી વગર પૂતળા દહન કરનારા રઘુવંશી સમાજના યુવાઓની પોલીસે અટકાયત કરી હતી. જલારામ બાપાના ભક્તોએ માંગ કરી હતી કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની સન્મુખ માફી માંગે. વીડિયો કોલથી નહીં પણ વીરપુર રૂબરૂ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર વડતાલ ગાદી હેઠળ આવે છે. જ્ઞાનપ્રકાશ પણ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે. વડતાલ મંદિર તરફથી માફી મંગાયા બાદ પણ આક્રોશ યથાવત છે. નોંધનીય છે કે ગઇકાલે જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલે જણાવ્યું હતું, કે પૂજ્ય જલારામ બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને બાપાના મંદિરમાં માફી માંગશે. તેમજ સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ જરૂરી ખુલાસો કરવામાં આવશે. જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવશે અને વિવાદનો અંત આવશે.
સ્વામીએ જલારામ બાપા અંગે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
અમરોલી ખાતેની એક સભા દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યાં હતાં કે સ્વામી મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે... જલાભગતે ગુણાતીત સ્વામીને દાળ બાટી જમાડ્યા હતા... ગુણાતીત સ્વામીએ જલાભગતને આશીર્વાદ આપ્યા હતાં કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે’. આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખ થતાં ભારે વિવાદ સર્જાયો હતો.