અમદાવાદ : ચોમાસાની વિદાય વચ્ચે આજથી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 33 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જે સામાન્ય કરતા 26 ટકા વધુ છે. આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. પરંતુ કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઈન સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે.
ગુજરાતમાં 108 ટકા કરતાં વધારે વરસાદ
કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.