Monsoon Updates: રાજ્યમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, આ વખતે નવસારી જિલ્લા અને ઉપરસવાસમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ખેરગામ 9 ઇંચ અને ધરપુર, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં 7-7 ઇંચ વરસાદ ખાબક્યો છે, આ વરસાદના કારણે હાલમાં નવસારીના ત્રણ તાલુકાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે.


દક્ષિણ ગુજરાતમાં વરસાદી રાઉન્ડે ફરી તબાહી સર્જી છે, છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદે નવસારી જિલ્લાને તરબોળ કરી દીધુ છે. તાજા અપડેટ પ્રમાણે, 142 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં ખાબક્યો છે, જેના કારણે નવસારી જિલ્લાના ત્રણ તાલુકામાં પુરના પાણીની આફત આવી છે. ઉપરવાસના વરસાદથી નદીઓના પાણીના જળસ્તરમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. હાલમાં અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યાં છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અનેક ગામે સંપર્ક વિહોણા પણ બન્યા છે. 




દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે, નદીઓના પાણી બીલીમોરા શહેરમાં પણ ઘૂસ્યા છે, નદીના પાણી શહેર-ગામમાં ઘૂસતા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે, જોકે, નીચાણવાળા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર યથાવત છે. નદીના પાણીના પ્રવાહને જોતા કાંઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસી જવા તંત્ર દ્વારા સૂચનાઓ અપાઇ છે. 


ગુજરાતમાં 5 ઓગસ્ટે ભારે વરસાદ પડશે


હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદનો દોર બીજા દિવસે સોમવારે પણ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત રીજનના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત રીજનના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.