ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે.


સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત ગ્રામ્યના ઓલપાડ, માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામ્યના કીમ, કોસંબા, પાલોદ, કઠોદરા, તરસાડી સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.


તો આ તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. નવસારીના લુન્સીકુલ, ડેપો, જમાલપોર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.


તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. સવારથી વરસાદી માહોલ સર્જાયા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.




નોંધનીય છે કે, હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજથી રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે 17 અને 19 જુનના રોજ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


અમદાવાદ શહેરમાં બુધવારે બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બુધવારે રાતના આઠથી દસ વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.


શહેરમાં મેમ્કો વિસ્તારમાં સૌથી વધુ બે કલાકમાં ત્રણ ઈંચ અને નરોડા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતા. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોની થઈ હતી. બે કલાક વરસેલા વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.