ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો.  આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે.  હિંમતનગરના હડિયોલ, ગઢોડા અને સાબરડેરી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.  કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે. રાજ્યમાં 48 કલાક સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર, અમીરગઢ, વડગામ, દાંતા પંથકમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતો અને વેપારીઓમાં પણ ચિંતા પ્રસરી છે.


મધ્ય પૂર્વ અરેબિયન સમુદ્ર પર લો પ્રેશર સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  કારતક માસમાં અષાઢી માહોલ થઈ જતા રાજ્યના 15 તાલુકામાં એક ઈંચ, જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  કમોસમી વરસાદને પગલે કપાસ, ઘઉં, રાયડો, મકાઈ, તુવેરના પાકને નુકસાન થયું છે. ગુરૂવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડામાં સોથી વધુ 2.83 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.59 ઈંચ, વડાલીમાં 2.36 ઈંચ, મહેસાણાના ખેરાલુમાં 2.04 ઈંચ, જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 1.81 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સતલાસણા, પોસિના, વિજયનગર, રાધનપુર, સાંતલપુર, નાંદોદ, ઊંઝા, બારડોલી, વાપી, વડનગરમાં વરસાદ નોંધાયો હતો. સુરતના બારડોલીમાં એક ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કામરેજ, માંગરોલ, મહુવામાં પણ વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં પણ છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતામાં પ્રસરી છે.