અમદાવાદ :   આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  જો કે ભારે વરસાદની શક્યતા નહિવત છે.  હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે.

  


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. જો કે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થઇ શકે છે.  હાલ વરસાદી સિસ્ટમ દક્ષિણ રાજ્યોમાં છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો


બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. સાથે જ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાંતામાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હૉસ્પિટલમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા સગર્ભા મહિલાને ખસેડવાની ફરજ પડી. ડિલીવરી બાદ સગર્ભાને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. દર્દીને શિફ્ટ કરવા ટ્રેકટરની મદદ લેવી પડી હતી.





ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બિપોરજોય વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.  દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડું હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.  


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર  રાજ્યમાં આગામી પાંચ દિવસમાં અલગ-અલગ જગ્યાઓ પર હળવો વરસાદની આગાહી છે.  વધારે વરસાદ પડવાની સંભાવના નથી.


રાજસ્થાનમાં બિપરજોયે મચાવી તબાહી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી


રાજસ્થાનમાં બિપરજોયે તબાહી મચાવી છે. રાજસ્થાનના અનેક સ્થળોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. રવિવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયું હતું. જેના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. એટલું જ નહીં હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું.


સિરોહીમાં મૂશળધાર વરસાદ


ઝાલોર અને સિરોહીમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. બાડમેરમાં પિંડવારા, આબુ રોડ અને રાવદારમાં આવેલ ડેમોમાં ભારે પાણીની આવક થઈ છે. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પર પણ અસર થઈ છે. ગુજરાતની 11 ટ્રેન બે દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ત્રણ ટ્રેનના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવામાન વિભાગે આગામી ૧૫થી ૨૦ કલાક અતિ ભારે વરસાદની આગાહી કરી છે.


બાડમેર અને સિરોહીમાં પણ છેલ્લા 36 કલાકથી પડી રહેલા વરસાદને કારણે શહેરોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. બિપરજૉય વાવાઝોડાને કારણે સાંચોર સહિત આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.